રઘુ આજે બહુ ખુશ હતો .એની આંખો એનો ચહેરો ને એનાં શરીરના બધાં સાંધા આજે કોઈ અલગ જ અંદાજમાં હતા . અને કેમ ન હોય આજે એનું અલગ ખાતું જો પડ્યું હતું . રઘુ એમ તોબારમાં સુધી ભણ્યો પણ એમાં કોઈ પરિણામ ન આવતાં એ અહીં આ શહેરમાં આવી ગયો હતો. એ નાપાસ નોહતો થયો તો સાથે એ ઊંચું પરિણામ પણ લાવી શક્યો નોહતો . અને એટલે જ એનાં પિતાએ એનાં કાકા સાથે આ શહેરમાં મોકલી દીધો . એ ગામમાંથી નીકળવા માટે તો ખુશ હતો તો સાથે સાથે આ રીતે રેવાનું થશે એ પણ એણે વિચાર્યું નોહતું . કેમકે એ ગામડાંની માટીનો માણસ હતો જેમા ભોળપણ એટલું જ ઠાંસી ઠાંસી ભરેલું હતું . એ ભોળો હતો. એને તમે ચાલક ન કહી શકો . એ અહીં આવી ગયો .
રઘુનાં મનમાં હતુંબકે અહીં કાકા સાથે તે આરામથી રહેશે પણ જ્યારે એણે એનાં કાકાનું મકાન જોયું તો એને થયું કે આમાં તો કાકા ને કાકી જ માંડ માન્ડ રહી શકે તો હું એમાં ક્યાંથી સમવાનો ! દસ બે દસની રૂમ , એક જ બારી ને હજી મકાન શરૂ થાય ત્યાં જ પૂરો થઈ ગયો . એક બારી અને એક બારણા વચ્ચે કાકાનું જીવન ચાલતું હતું ને એમાં હું ક્યાં ગોઠવાઈશ એ વિચારમાં રઘુ પડી ગયો . પણ શહેર પાસે દરેક પ્રશ્ન નો જવાબ છે . સૌથી પહેલા તો કાકાએ એને બીજા દિવસે એક કારખાને લઈ જઈ ત્યાં એનું નક્કી કરાવી લીધું . એ હીરા શીખવાનો હતો એ માટે કોઈ ગુરુ પણ જોઈએ ને !? એટલે કાકાએ એને ત્યાં ગોઠવી દીધો . ....
ને એ બીજા દિવસે નીકળી ગયો . કાકાની સાયકલ એ નાકા સુધી ગઈ ને પસી કહ્યું કે ' હવે જોયું છે ને ? ' ને રઘુએ હકારમાં માથું હલાવ્યું ન હલાવ્યું કાકા એનાં રસ્તે પડી ગયા હતા . એ ત્યાંથી આગળ ચાલ્યા . જાણીતા ચિન્હ આવતાં ગયા તેમ તે આગળ વધી ગયો . ..ને આખરે એ ત્યાં પોન્ચયો જ્યાં એ ગઈ કાલે હતો ..
એ બારણમાં પ્રવેશ્યો .
' એક લાંબી પરસાળ હતી . જેની વચ્ચોવચ એક પથ્થરની હારમાળા હતી . એના પર લેથ મુકેલા હતા . એ પરસાળ ની એક બાજુ એક ઊંચી કેબીન હતી . જેમાં ખૂબ જ અજવાળું હતું . ત્યાં શેઠિયા હીરાની લરખ કરતા ને પછી કારીગરની મેહનત પ્રમાણે એનું મૂલ્ય ચૂકવતા ! ટ્યુબલાઈટ , લેથ , એની મોટરનો અવાજ , ફૂલ અવાજમાં વાગતા જુના ગીત , કારીગરોની ચાલતી હૈયા વરાળની વાતો , કોઈ કોઈ વાર બોલતા બેફામ અપશબ્દો ને એ બધું એટલું ઘોંઘાટ વાળું હતું કે સામન્ય માણસ ત્યાં એક કલાક રહે તો કદાચ મેં બેહરો થઈ જાય ! પણ હવે રઘુ એ વાતાવરણનો સભ્ય હતો. એ અંદર ગયો. જે ભાઈની સાથે એની શીખવાની વાત થઈ હતી એમની પાસે જઈ એ બેસી ગયો . કોઈ નવો માલ આવ્યો હોય એમ બધાં એની સામે જોઈ રહ્યા હતા . જાણે વોર્ડરોબમાં કોઈ નવું પુસ્તક આવ્યું હોય ને જેમ બીજા પુસ્તકો જોયા કરે એમ બધા એને જ ઘુરતા હતા . એ શરમાઇ નીચે જોઈ ગયો . એને ઘડીભર તો થયું કે ચાલો જલ્દી અહીંથી ! પણ પછી ગામ યાદ આવતા એ વળી થોડો હિંમતમાં આવ્યો. ને એ ત્યાં બેસી રહ્યો.
પેલાં ભાઈ કેબીન પાસે ગયા . કોઈ માણસ જેમ કોમોડિટીમાં સોદો પાડતો હોય એમ એ ભાઈ રઘુનો સાદો કદાચ પાડતો હતો .અંતમાં એ ભાઈ કોઈભવ્ય વિજય મેળવી આવ્યા હોય એમ રઘુને કહેવા લાગ્યા , ' જા . સામે જો માળિયું સે ને એમાંથી એવો એક દંડો હશે એ લેતો આવ .જો જે એનો નટ હલતો ન હોય ? નહિતર હીરા વારેઘડીએ ઉખડશે ! હો ! ખબર તો પડશે ને ? '
' હા , કહી રઘુ એ લાંબી રેલગાડી જેવી પરસાળ ની એક બાજુ બેનલા માળિયામાં સિંહાવલોકન કરવા લાગ્યો .
' એ ભાઈ એમ નય ! ઉપર ટીંગાવ ને તય દંડો દેખાહે , કેમ મફાભય ? '
' ટીંગાવું તો પડે જ ને ? '
ને રઘુ હકીકતમાં ત્યાં ટીંગાયો ને એક દંડો લઈ આવ્યો .
ને શરૂ થઈ એક અનોખી સફરની યાત્રા !
ને એ લઈ આવી ગયો .
' જો . પેલો હાઈકલાસ લઈ આય તો ! '
' હા . '
' જો પેલો ગજીયો લઈ આવ . '
' જી . '
' હવે બેહી જા . '
' હા , '
' જો . આ લેટ સે . એનું આ પૈડું આમ ઉપર આવે તય બરાબર ન હોય તો આ દંડાથી એને મારી એક સરખું ફરતું કરી દેવાનું ! પૈડું બરાબર એક હરખું ફરવું જોઈએ . ને આમ મારવાનું ...'
એ ભાઈએ દંડાથી કેમ મારવું એનો અભિનય પણ કરી બતાવ્યો . ને રઘુ દંડો લઈ મંડી પડ્યો .
એણે તો દસ મિનિટ સુધી ધ્યાન આપી એ પૈડું બરાબર કર્યું . ને
' થઈ ગયું ! '
પેલા ભાઈએ જોયું ને પૈડું ફેરવ્યું . ધ્યાનથી જોયું ને કહ્યું .' બરાબર છે ! '
'હાશ . ચાલો પતી ગયું . ' નો હાશકારો રઘુ ને થયી ગયો પણ બીજી જ ક્ષણે એ ભાઈએ એક દંડો ફટકારી ફરી પૈડાં ને હાલકડોલક કરી દીધું .
' લે વળી બરાબર કરી દે ! '
' એ તો કરી તો દીધું તું , તમે જ આ દન્ડો ફટકારી વળી પાછું આમ કેમ કરી નાખ્યું .? ' એ ભાઈ હસી પડ્યા ..
'જો આપણે આખો દી આ જ કરવાનું સે . લેટ નું પૈડું બરાબર ફરતું રાખવાનું . એને લેટ સાંધોયી એમ કહેવાય . ! '
' પણ એમાં સોય ને દોરો તો નથી. ? '
' એ ન હોય . આ પૈડું બરાબર ફેરવવું એનું નામ જ લેટ સાંધ્યો . '
ને એ વળી લેટ સાંધવા મંડી પડ્યો .
એણે આખો દી લેટ સાંધ્યો ....
અઠવાડિયા પછી વળી નવું ઊંતળું આવ્યું .
રબેકીના તોડી એનાં કટકા ગજીયેથી લઈ ગરમ ગરમ કટોરા પર લાખ લગાડી એને માથે એ કટકાને બરાબર બેહારવાના ને એને ઠારી વળી એ કટોરાને લેટમાં બેહાડી એ ચોંટેલા કાચના ટુકડા ને બરાબર પૈડાં સાથે ફેરવવાનો !બોલો ! ગજીયે થી કટોરું લેવાય તય એ ગરમ સે કે નય એ જરા ગાલ પાસે લાવી ચેક કરાતું . એક દી એ ચેક કરવામાં રઘુનો ગાલ દાઝી ગયો તે બે દિવસ એને આરામ કરવો પડ્યો એ અલગ ! કેટલો ખતરનાક આ ધંધો !
પણ તોય છૂટકો જ નોહતો .
આઠવાડિયા પસી કાકે એ જ કારખાનામાં સુવાની વ્યવસ્થા કરાવી દીધી . હવે એ બપોરે ટિફિન લઈ આવતા . કારખાને જ રઘુ ટિફિન જમી લેતો . સાંજે પણ એમ જ ટિફિન આવી જતું ને એ ત્યાં જ સુઈ રહેતો . સવારમાં એ ત્યાં જ નાહી લેતો . રાતે સૂતી વખતે એને ઘર યાદ આવતું પણ ....એ એક તરફ ફરી ચાદર ની નીચે પોતાની આંખો છુપાવી લેતો . એનાં જેવાં એ કારખાનામાં બીજા ઓન દસેક જુવાનિયા હતા . જે રાતે ફિલમ જોવા જતા રહેતા . પણ રઘુ હજુ સુધી એમના રંગ માં રંગાયો નોહતો .
દસ દિવસ બધું બરાબર ચાલ્યું . હવે એને રબેકીના કાચના હીરા બનાવવા આપવામાં આવતા . એ બનાવતો . પેલા તો ગમે તેવા આકારના હીરાને અર્ધગોળ બનાવવો ને પસી એમાં વળી વીંટ વાળી એના ઓર દોરી મારી એને તૈયાર કરવાનો ...ઘણું અઘરું હતું .
દસ દિવસ બાદ એને પેહલી વાર સાચા હીરા આપવામાં આવ્યા . પેલા ભાઈએ એક તૈયાર હીરો બતાવી કહ્યું કે જો આમ આ રીતનો હીરો બનાવવાનો હોય ...
ને એ હીરા ને જોઈ આભો જ બની ગયો . કેટલો સુંદર હતો . પણ એ માટે એને પોતાની આંખો બળાવી પડશે . ગરમ કટોરા હાથમાં લઈ પોતાને હર ઘડી જોખમમાં મુકશે તારે એ બનશે ને ?
'
બવ મસ્ત છે ? ' કહી એ પણ હીરા બનવવાની શરૂઆત કરવા લાગ્યો .
એણે એક હીરો બનાવ્યો .
ને બતાવ્યો ..
' જોવો તો થઈ ગયો ? '
એ ભાઈએ હાઈકલાસ માંડ્યા ને હીરા ને જેવો જોયો એમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા ! એમણે વળી હીરાને જોયો .
ને....
' થઈ ગયો સે ? ' રઘુએ પૂછ્યું .
'શું થઈ ગયો ....? હીરાની તો મારી ગયો...આંધળો સે ....નથી ભાળતો .. તારો બાપ બગડી ગયો ! જો...તો....મેં તને બતાયો તો એવો સે કે ...બિચારો રોવે સે ...જો....તો....ખબર ન પડે તો બતાવાનું ....'
રઘુ સન્ન થઈ ગયો .
આ
શુ ?
એ જોઈ રહ્યો . કઈ પણ ન બોલી શક્યો !
' મૂંગો શુ બેઠો સે ! આ તારા ...ની પથારી ફેરવી નાખી....? ....'
એ દિવસે રઘુએ જે ક્યારેય ન સાંભળ્યું હતું એ સાંભળ્યું .
..
રાતે એ સુઈ પણ ન શક્યો . એની આંખોમાં આંસુ આવતા ગયા ને એ લૂંછતો ગયો . હવે તો બસ ઘરે જ જતું રહેવું સે ...
પણ....
વળી એ સવારે તૈયાર થઈ લેટ પર બેસી જતો..ને એ એની તાલીમ શરૂ થઈ જતી ..એ કડવા વેણ , ક્યારેક ગાળો ...ને આ લઈ આવે ? જા તો માવો લય આય તો ? ,વગેરે વચ્ચે એ શીખતો રહ્યો ને....આખરે એ એટલું શીખી ગયો કે હવે એનું ખાતું આલગ કરી શકાય .
એ તમામ આંસુ રંગ લાવ્યા. આજે એનું ખાતું અલગ થયું . હવે એ જે હીરા બનાવશે ...એ એનાં ખાતમાં જમા થશે ! ને એ ની કમાણી શરૂ !
આજે એને અહી આવ્યા ને દોઢ મહિનો થયો હતો . એ કારીગર બની જ ગયો ને ?
હવે એણે પોતે એક રૂમ ભાડે રાખી ને એ ત્યાં રહેવા લાગ્યો .
એ એ કામમાં એટલો પાવરધો બની ગયો કે એ રોજનું હજાર હજારનું કામ ધીબેડવા લાગ્યો ..ને એ ઘરે દર મહિને 12 કે 13 હજાર મોકલવા લાગ્યો . ઘરે વંડી બનતી ગઈ , ઓસરીમાં લાદી નખાતી ગઈ , રંગ થતો ગયો , ને ઘરની રોનક બદલાતી ગઈ .......ને લેટનું પૈડું ફરતું રહ્યું .
★★■■★★★★★
એક દિવસ એનાં કાંકે બોલાવ્યો .
એ ગયો તો પેલી દસ બાય દસની ઓરડી હજી એમ જ હતી . બસ કાકા એક ચાદર ઓઢી સુતા હતા . કાકી કદાચ થોડીવાર પેલા જ રોયા હશે .એવું લાગતું હતું . એમની આંખો લાલ હતી .
' શુ થયું કાકી ? '
' ....'
' હું થયું બોલો તો ખરા ! '
ઘડી ભર તો કોઈ ન બોલ્યું ...પણ પછી એ કાકી બોલી ઉઠયા ...
'તારા કાકાને કાઢી નાખ્યા !'
'કેમ ? '
'હવે એમને દેખાતું નથી ને ! 20 વરહથી ઇયા હીરા ઘહતા હતા...તોય....! '
' વિહ વરહથી.... તોય કાઢી મુક્યા...! '
' હા , ને હવે તો..એ ? '
'શુ થયું ...'
' વીમો લીધો હતો . ઇ લેવા હાટુ એમણે ...'
' શુ થયું. બોલો....'
' હાથ કપાવી આયા ! '
' શુ ? '
' સરેણ માં હાથ નાખી વીમો લીધો...હવે શું કરું ? '
...ને બીજી જ પળે.... એ રઘુએ એના કાકા ની જગ્યાએ પોતાને જોયો...ને એ કંઈક વિચારમાં પડ્યો...ને એની આંખમાં આંસુ આવી ગયા .
---//--
બીજા દિવસે એ દસ બાય દસની ઓરડી ખાલી થઈ ગઈ હતી . ને રઘુની જગ્યા પણ ખાલી પડી હતી ..
...રાતે રઘુએ વિમાની પોલિસી લેવી પડે એ પહેલાં ગામ જતાં રેવાનો નિર્ણય કર્યો હતો..ને બીજા દિવસે એ રઘુ ખેતરમાં હળ હાંકતો દેખાયો એ પરસેવે નાહી એક નવી દુનિયમાં પગરવ કરી રહ્યો હતો ને ખેતરનાં શેઢે એનો કાકો પાકનો હિસાબ ગણતા બેઠા હતા .
લેખક શ્રી - મહેશ ગોહિલ